ન્યુ યોર્ક, 27 જુલાઇ, 2024: જાણીતા અધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં તેમની નવ-દિવસીય રામકથાનો શુભારંભ કર્યો છે. યુનાઇટેડ નેશન્સમાં કોઇ આધ્યાત્મિક ગુરુ એ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે, જે તેના વૈશ્વિક મહત્વને દર્શાવે છે.
કથાના પ્રથમ દિવસે પૂજ્ય મોરારી બાપૂએ ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસની બે કેન્દ્રિય પંક્તિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં તથા સમગ્ર પ્રવચનની રૂપરેખા નિર્ધારિત કરી હતી.
ઉત્તરકાંડની આ ચોપાઈઓ નીચે મૂજબ છે:
આ સમગ્ર બ્રહ્માંડ મારી રચના છે અને હું દરેક પ્રતિ સમાનરૂપે દયાળું છું. હું દરેકને પ્રેમ કરું છું કારણકે તે મારી રચના છે, તો પણ મનુષ્ય મારા માટે સૌથી પ્રિય છે.
પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામચરિત માનસનો કરિશ્મા આપણને બધાને અહીં લઇને આવ્યો છે. ઘણાં વર્ષ પહેલાં મેં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે યુનાઇટેડ નેશન્સની અંદર કથા કરવાનું વિચાર્યું ન હતું, પરંતુ કથાએ તેની ઇચ્છા વ્યક્ત કરી હશે અને તેથી જ આપણે અહીં છીએ.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ રામકથા દરેક ભારતીયોની સદભાવના લઇને આવે છે, જે શક્તિ પ્રદર્શન નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રવચનને દર્શાવે છે. હિંદુ ધર્મના સનાતન ધર્મ હોવાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, જે ઐતિહાસિક છે તે જૂનું અને ક્ષીણ થઇ શકે છે, પરંતુ જે આધ્યાત્મિક છે તે શાશ્વત રહે છે.
પૂજ્ય મોરારી બાપુએ સંયુક્ત રાષ્ટ્રના ચાર મુખ્ય લક્ષ્યોની ચર્ચા કરી હતીઃ વૈશ્વિક શાંતિ જાળવવી, રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, ભૂખ, રોગ અને નિરક્ષરતા ઉપર વિજય મેળવીને ગરીબ લોકોના જીવનમાં સુધારો કરવો અને એકબીજાના અધિકારો અને સ્વતંત્રતાઓ માટે આદરને પ્રોત્સાહન આપવું. તેમણે પાંચ વધારાના ધ્યેયો પણ સૂચવ્યા: વૈશ્વિક સંવાદ, સ્વિકાર, સત્ય, પ્રેમ અને કરુણા.
તેમણે યુએન સેક્રેટરી-જનરલ અને તેમની ટીમનો આ કાર્યક્રમના આયોજનમાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 
         
        
        
                     
                             
                                                        

