સોમવારે યોજાયેલ કલાકાર કલ્યાણ નિધિ સમિતિની બેઠક ગુજરાત સરકાર ના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ના ગુજરાત સરકાર ના માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક યોજાઈ. બેઠકમાં કલાકારોના હિતને કેન્દ્રસ્થાને રાખીને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણયરૂપે, અત્યાર સુધી બાકી રહેલા કલાકારોના મેડિકલ સહાયના બિલોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રકમના 57થી વધુ લાભાર્થીઓના બિલોને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણય કલાકાર સમાજ માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે.

વાજિંત્ર સહાય અંતર્ગત રૂપિયા 31,000થી વધુના બિલોને મંજૂરી આપવામાં આવી. ઉપરાંત, વાજિંત્ર સહાયની મર્યાદા હાલના રૂપિયા 5,000માંથી વધારી રૂપિયા 25,000 કરવાની ભલામણ સમિતિ દ્વારા કરવામાં આવી, જેને માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ હકારાત્મક રીતે સ્વીકારી.

મેડિકલ સહાય માટેની આવક મર્યાદા હાલ રૂપિયા 2 લાખ છે. આ મર્યાદા વધારવા અંગે માનનીય મંત્રીશ્રીએ સૂચન કર્યું, અને સમિતિએ આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરવાની દરખાસ્ત મૂકી જેને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયથી વધુ કલાકારોને યોજનાનો લાભ મળી શકશે.

કલાકારોના ઓળખપત્ર યોજનામાં લાંબા સમયથી બાકી રહેલી અરજીઓને મંજૂરી આપવામાં આવી. વધુને વધુ કલાકારો સુધી ઓળખપત્ર પહોંચે અને તેઓ યોજનાનો લાભ લઈ શકે તે માટે પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂકાયો. સોશિયલ મીડિયા મારફતે માહિતી વ્યાપક રીતે પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ દ્વારા કલાકારોના સર્વાંગી કલ્યાણ, સહાયની રકમમાં વધારો તથા યોજનાના વ્યાપના વિસ્તરણ અંગે કરવામાં આવેલી ભલામણોને સમિતિએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ અમલ માટે સકારાત્મક નિર્ણયો લીધા.

સમિતિના બિનસરકારી સભ્યો અરવિંદ વેગડા, મનુ રબારી, દીપક જોશી, કનુભાઈ પટેલ અને અભેસિંહ રાઠોડે એકમતથી અભિપ્રાય વ્યક્ત કર્યો કે વધુને વધુ કલાકારો સુધી યોજનાનો લાભ પહોંચાડવો અને કલાકાર વર્ગને સશક્ત બનાવવો આવશ્યક છે.

આવક મર્યાદા વધતા લાભાર્થીઓની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને મેનપાવરની વધારાની જોગવાઈ કરવા અંગે પણ સૂચનો કરવામાં આવ્યા.

માનનીય કમિશનરશ્રી, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી કે આવનારા સમયમાં યોજનાનો વ્યાપ વધારવા, પ્રચાર-પ્રસાર મજબૂત બનાવવા અને વધુ કલાકારો સુધી લાભ પહોંચાડવા માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવશે. સાથે જ યોજનાનું ભંડોળ વધારવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે.

કલાકારોના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતું આ એક મહત્વપૂર્ણ પગલું છે, જેમાં મેડિકલ અને વાજિંત્ર સહાય સહિત રૂપિયા 75 લાખથી વધુની સહાયને મંજૂરી આપવામાં આવી છે.

આ સમગ્ર પ્રક્રિયા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ નો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જી , માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી Dr જયરામભાઈ ગામીત તથા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા ના તથા સંગઠન મહા મંત્રી શ્રી રત્નાકરજી ના માર્ગદર્શન અને સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ દ્વારા કલાકારોના હિત માટે કરવામાં આવેલી ભલામણો અને સકારાત્મક રજૂઆતો બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેઓના પ્રયાસોથી કલાકાર કલ્યાણ યોજનાઓને વધુ મજબૂતી અને વ્યાપ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *