
દેશની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે લેખક મહર્ષિ દેસાઈ લિખિત “લિબર્ટી @ 75 – આઝાદીનો અમૃત મહોત્સવ” પુસ્તકનું લોકાર્પણ આજ રોજ તા. 3જી ફેબ્રુઆરી, 2022ના ગુરૂવારના રોજ ભાજપા ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદીપસિંહજી વાઘેલાના હસ્તે પ્રદેશ ભાજપા કચેરી, કોબા, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસર્જન પબ્લિકેશનના શ્રી જયેશ પી. શાહ અને ધ પ્રાઈડ ગૃપ તથા નમો ગૃપ ફાઉન્ડેશન અને ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણીશ્રી ભાવેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા ગુજરાત પ્રદેશના કલ્ચરલ સેલના સભ્યશ્રી મહર્ષિ દેસાઈ લિખિત “લિબર્ટી @ 75 – આઝાદીનો અમૃત મહોત્સવ” પુસ્તક (કિંમત રૂપિયા 600/- 326 પેજ) માં “આમુખ” તરીકે વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લેખ છે. જ્યારે 3 વિભાગમાં મળીને કુલ 83 લેખોમાં દેશનો સ્વતંત્રતા સંગ્રામનો સંક્ષિપ્ત ઈતિહાસ રસપ્રદ શૈલીમાં પ્રસ્તુત છે. દેશની આઝાદીની ગાથાને ટૂંકમાં અને મુદ્દાસર રીતે આલેખવામાં આવી છે.
દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પગપેસારાથી લઈને બ્રિટિશરાજ સુધીની તવારીખ આ પુસ્તકમાં સમાવી છે. દેશની આઝાદી માટે ફના થઈ ગયેલા નરબંકાઓ, શહીદો, વીરાંગનાઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને લડતના મોખરાના નેતાઓને પણ યાદ કરીને તેમનો ટૂંકો પરિચય આપ્યો છે.
દેશની આઝાદીના 75 વર્ષમાં આપણા મહાન દેશે કઈ કઈ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, એ વિશે આ પુસ્તકમાં વાંચવા મળે છે. દેશના મહત્વના સીમાચિહ્નો પણ આ પુસ્તકમાં દર્શાવ્યા છે. ટૂંકમાં “લિબર્ટી @ 75 – આઝાદીનો અમૃત મહોત્સવ” પુસ્તક નાના-મોટા દરેક વયના વાચકોને વાંચવું ગમશે, એટલું જ નહિ, એક ઉપયોગી સંદર્ભગ્રંથ બની રહેશે અને રેડી રેફરન્સ તરીકે સૌને ઉપયોગી થશે. “લિબર્ટી @ 75 – આઝાદીનો અમૃત મહોત્સવ” પુસ્તક ન્યૂ જનરેશન માટે ખાસ કરીને યુવાનો-યુવતીઓને ફોકસ કરીને સરળ અને સમજાય તેવી શૈલીમાં લખાયું છે.