અમેરિકામાં મોટા ધંધાઓ સમેટીને અમદાવાદમાં આવીને હજારો લોકોને સાજા કરનારા અમરીષભાઈ પટેલની વાત એકદમ અનોખી છે.

63
2671
Spread the love

આજે આપને એક અનોખા માણસની ઓળખાણ કરાવીશ. અનોખા એટલા માટે કારણ કે પરંપરાગત રીતે આવા માણસો હોતા નથી. એમનું નામ છે અમરીષભાઈ પટેલ. અમેરિકામાં તેમના જામેલા ધંધાઓ હતા. કોઈ તબક્કે હોલસેલ, લિકર સ્ટોર અને સિગારેટ સ્ટોરો સમેટીને અમરીષભાઈ વતનમાં પાછા આવ્યા. અહીં આવીને તેમણે જે કામ કર્યું છે તે જબરજસ્ત છે. મૂળે મિકેનિકલ એન્જિનીયર, વ્યવસાયે બિઝનેસમેન એવા અમરીષભાઈ હજારો લોકોના શરીર સાજાં કરે, અનેક રોગોને ભગાડીને સેંકડો લોકોને નવજીવન આપે એ વાત નવાઈ પમાડે એવી લાગે.

અમેરિકામાં મોટા ધંધાઓ સમેટીને અમદાવાદમાં આવીને હજારો લોકોને સાજા કરનારા અમરીષભાઈ પટેલની વાત એકદમ અનોખી છે.

અમરીષભાઈ પટેલનું વતન ઉંઝા પાસેનું ઉપેરા ગામ. માતાનું નામ શારદાબહેન અને પિતાનું નામ રણછોડભાઈ. એમના પિતાજી સરકારી નોકરી કરતા હતા એટલે તેમને વેરાવળ, દ્વારકા, શિહોર, ઉપલેટા, પાટણ, અમદાવાદ એમ જુદા જુદા ગામના પાણી પીવાનો મોકો મળ્યો.
અમરીષભાઈ મિકેનિકલ એન્જિનીયર થયા પછી અમદાવાદના પાદરમાં આવેલા લાંભા ગામ સ્થિત એક કંપનીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં એક એવો પ્રસંગ બન્યો કે તેમને નોકરી છોડીને અમેરિકા તરફ પ્રયાણ કરવું પડ્યું. એમાં થયું એવું કે એમના ફેમીલી બિઝનેસમાં નુકસાન આવ્યું. એ નુકસાન ભરપાઈ કરવા માટે તેમણે એન્જિનીયર તરીકેની નોકરી છોડીને અમેરિકામાં વેપાર કરવાનો વિચાર કર્યો. 1998માં તેઓ અમેરિકા ગયા. તેમણે લિકર સ્ટોર, સિગારેટ સ્ટોર સહિત વિવિધ ચીજવસ્તુઓના સાતેક સ્ટોર કર્યા અને એ પછી મોટો હોલસેલનો ધંધો પણ કર્યો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રિલાયન્સનો મોટો હોલસેલ છે એવો મોટો હોલસેલ અમેરિકામાં તેમણે પાર્ટનરશિપમાં કરેલો. એના પરથી ખ્યાલ આવી જાય કે તેમનો કારોબાર કેવો હતો.

અમેરિકામાં ધંધો જમાવ્યા પછી અમરીષભાઈને સંતોષ થતો નહોતો અથવા તો આપણે એમ કહેવું જોઈએ કે તેઓ સંતોષી હતા એટલે પૈસા કમાયા પછી જુદો વિચાર કરવા લાગ્યા. એ જુદો વિચાર એટલે ભારત પરત ફરવાનો વિચાર. 2005થી તેમના મનમાં ભારત પાછા આવવાની ઈચ્છા થયા કરતી હતી. તેઓ વિચાર કરતા હતા કે કમાવાનું હતું એટલું કમાઈ લીધું. ખૂબ મહેનત કરી. હવે શાંતિથી જીવન જીવીએ. મૂળ અંદરના માણસ એટલે વિચાર એવો આવે કે માત્ર પૈસાથી જીવન જીવાતું નથી. જીવનને સાર્થક રીતે જીવવું જોઈએ.
2007માં પાછા આવ્યા અમદાવાદ.
અહીં આવીને વળી કોઈ નવી સ્થિતિ જ એમની પ્રતિક્ષા કરતી હતી. પહેલી વાત તો એ કે હવે આર્થિક ઉપાજન કરવાની કોઈ ચિંતા નહોતી અને જરુરિયાત પણ નહોતી. હવે બસ, સરસ રીતે જીવવાનું હતું. સરસ રીતે એટલે નિરાંતે અને શાંતિથી. અમરીષભાઈ ગમે ત્યારે ઊઠે. સવારે એકદમ વહેલાંય ઊઠી જાય. દસ વાગ્યે ય ઊઠે અને મોડા પણ ઊઠે. મિત્રો સાથે પત્તા રમે, ફરવા જાય, મનગમતું સાંભળે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં જ્યાં તેમણે બંગલો લીધો ત્યાં તેમણે થલતેજ એસોસિએશનની સ્થાપના કરી. એવો વિચાર આવ્યો કે આપણે આ વિસ્તારને એટલો જબરજસ્ત રીતે ડેવલપ કરીએ કે આખા ગુજરાતમાં તેની જંત્રી સૌથી વધારે થાય. વળી, સ્વભાવ એવો કે જે નક્કી કરે તે કરીને જ રહે. પટેલનો પાવર તો ખરો જ. પડકારો ઘણા હતા. કામ કરવામાં તો પોતે પાછા પડે એમ જ નહોતા. કોઈ સ્વાર્થ હતો નહીં. જે કરવાનું હતું તે નિઃસ્વાર્થ ભાવથી જ કરવાનું હતું. સફળ થયા.
તેઓ લાયન્સ ક્લબ શાહીબાગના આઠ વર્ષ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે અને ત્યાં પણ તેમણે ઘણા કામો કર્યાં છે. સમાજ માટે કશુંક કરવાની ભાવના હૃદયમાં પડેલી. અમરીષભાઈનો સ્વભાવ એવો કે હોજરીમાં પડેલું હોય તે બધું બહાર આવવું જોઈએ એ જ રીતે હૃદયમાં હોય તે બધું અમલમાં આવવું જોઈએ.

અમદાવાદમાં જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાઈને સરસ રીતે જીવન જીવતા અમરીષભાઈનું જીવન કોઈ એકને કારણે બદલાઈ ગયું. એમ કહો કે તેમના જીવનમાં યુટર્ન આવી ગયો.
એ કોઈ એક એટલે બીજું કોઈ નહીં, પરંતુ તેમની ફાંદ. તેમની ફાંદે તેમને નવો રસ્તો બતાવ્યો. ખાધેપીધે સુખી એટલે ફાંદ તો વધે જ ને ? અમરીષભાઈને પોતાની ફાંદ ગમે નહીં. ફાંદ ઉપર હાથ ફેરવીને કાયમ વિચારે કે આનું કંઈક કરવું પડશે.
કંઈક કરવા માટે એમણે ઘણું બધું કર્યું. યોગના ક્લાસ કર્યા. કરવા ખાતર નહીં, એકદમ મહેનત કરીને કર્યા. યોગ શિક્ષક પણ થયા. એ સિવાય આયુર્વેદ, જિમ અને કુદરતી ઉપચાર ને ઘણું બધું. જોકે, સફળતા ના મળી. થોડો ઘણો ફેર પડે, પરંતુ ફાંદ નીચે બેસવાનું નામ લે નહીં.
પોતાની સામે કોઈ પડે, પછી ભલે ને એ પોતાની સગી ફાંદ હોય તો પણ અમરીષભાઈ ચલાવી ના લે. એમણે નક્કી જ કરેલું કે ફાંદને હરાવવી છે.
એવામાં તેમણે ન્યૂ ડાયટ સિસ્ટમ (નવી ભોજન પ્રથા) વિશે સાંભળ્યું. આ એક નવી પધ્ધતિ છે. અમરેલીના બાલુભાઈ ચૌહાણે (બી.વી ચૌહાણ) તેનો આવિષ્કાર કર્યો છે. સમગ્ર વિશ્વમાં તેના બાવીસ કરોડથી વધારે અનુયાયીઓ છે. તેમાં માત્ર આહાર પર નિયંત્રણ લાવીને શરીરને સંપૂર્ણ નિરોગી બનાવવાનું હોય છે. અમરીષભાઈને આમાં રસ પડ્યો. એમણે સમજપૂર્વક આ નવી પધ્ધતિનો અભ્યાસ કર્યો અને પછી પોતાની જાત પર અમલ પણ કર્યો. ચમત્કારિક પરિણામો આવ્યા. તેમને થયું કે જો અમદાવાદને, ગુજરાતને, ભારતને અને સમગ્ર વિશ્વને રોગમુક્ત કરવું હોય તો સૌથી વધારે અસરકારક આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે. આ નવી ભોજનપ્રથા રોગમુક્ત સમાજનું સર્જન કરવામાં ઉપયોગી થાય તેવી છે. અમરીષભાઈ, અમેરિકામાં રહેતા પોતાના અંગત મિત્ર દિપક ઝવેરીની મદદથી બાલુભાઈને મળેલા. અમરીષભાઈ કહે છે કે, આ પધ્ધતિનો અમલ કરવાથી માત્ર 70 દિવસમાં મારું 22 કિલો વજન ઘટી ગયું છે. શરીરમાં જેટલા રોગ હતા એ બધા જ ઊભી પૂંછડીએ ભાગી ગયા. દરરોજ મોંમાં ગોળીબાર કરવો પડતો હતો એ બંધ થયો. એક પણ ગોળી લેવાની નહીં.
બસ પછી તો અમરીષભાઈએ આ નવી ભોજનપ્રથા માટે સમર્પિત થઈને કામ કરવાનું શરુ કર્યું. અત્યાર સુધી તેમણે ૮૯૧ નિઃશુલ્ક સેમિનાર કર્યા છે. લાખો લોકોને તેમણે યુટ્યુબ ચેનલ પર સાંભળ્યા છે. હજારો અને સેંકડો લોકોને તેમણે સાજા કર્યા છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, મેદસ્વીપણું હોય કે બીજા અસાધ્ય રોગો હોય. અમરીષભાઈએ નવી ભોજનપ્રથાની મદદથી અનેક લોકોને વિનામૂલ્યે સાજા કર્યા છે. અનેક અસાધ્ય રોગોમાં પણ આ પધ્ધતિ અસરકારક સાબિત થાય છે.
અમરીષભાઈ કહે છે કે, રાંધેલું ખાઈને આપણે રોગિષ્ટ સમાજનું નિર્માણ કર્યું છે. ૮૪ લાખ યોનિમાં માત્ર એક માણસ જાત જ એવી છે, જે રાંધેલું ખાઈને બીમાર પડે છે. દવા વગરની દુનિયા એ એમનું સપનું છે.
નવી ભોજનપ્રથા એ અનેક રીતે વિશિષ્ટ છે. સૌથી પહેલી વાત તો એ છે કે તેમાં એક પણ પૈસો આપવો પડતો નથી. માત્ર જમવામાં ફેરફાર કરીને જ માણસ સાજો થઈ જાય છે. આમાં યોગ કરવાનો નથી, કસરત કરવાની નથી, જીમમાં જવાનું નથી, ચાલવાનું નથી, કોઈ બીજી માથાકૂટ નથી. માત્ર ને માત્ર દિનચર્યામાં થોડો ફેરફાર કરવાનો છે. વળી, ભૂખ્યા તો રહેવાનું જ નથી. અમરીષભાઈએ અત્યાર સુધી જે દર્દીઓને સાજા કર્યા છે. તેની વિગત લખવા બેસીએ તો એક આખું પુસ્તક થઈ જાય.
તો આવા છે આપણા અમરીષભાઈ. ખૂબ જ અભ્યાસી અને નિષ્ઠાવાન. એન્જિનીયરમાંથી વેપારી થયા અને વેપારીમાંથી ડોક્ટર બની ગયા. આ પોઝિટિવ સ્ટોરીની શરુઆતમાં મેં તેમના માટે અનોખાં એવું વિશેષણ વાપર્યું હતું તેની સાથે હવે તો તમે પણ સહમત થશો જ.
અમરીષભાઈ કહે છે કે આપણા જીવનમાં જે પણ સફળતા મળતી હોય છે તેમાં 90 ટકા હાથ માતાના આશીર્વાદનો જ હોય છે. માતાના આશીર્વાદ અને ધર્મપત્નીના સહકાર વિના કોઈ પુરુષ જીવનમાં કશું કરી શકતો નથી. તેમના ધર્મપત્ની જયાબેન તેમના આ કાર્યમાં સાથે જોડાયેલા છે.

(આલેખનઃ રમેશ તન્ના,અમદાવાદ.)

Disclaimer: This content is distributed by Ramesh Tanna. No Namo Times journalist is involved in creation of this content.


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 802 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here