રાજકોટ, 17 સપ્ટેમ્બર, 2020 – શહેરના યુદ્ધ એજ કલ્યાણ સંગઠને કોરોના મહામારી વચ્ચે લોહીની અછત સર્જાય નહીં તથા જરૂરિયાત ધરાવતા દર્દીઓને તાત્કાલિક લોહી ઉપલબ્ધ બની રહે તે ઉદ્દેશ્યથી આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. યુદ્ધ એજ કલ્યાણના સભ્ય તથા સ્વામી વિવેકાનંદ સમરસ્ત સમિતિના સંયોજક અજય બોરિચાના નેતૃત્વમાં આયોજિત રક્તદાન શિબિરમાં 141 લોકોએ આ ઉમદા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઇને મૂશ્કેલ સમયમાં પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આયોજિત આ કાર્યક્રમ કોરોના મહામારી વચ્ચે પણ લોકોમાં માનવતા અને બિમાર વ્યક્તિઓ પ્રત્યેની લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે અજય બોરિચા દ્વારા નિયમિત રૂપે આ પ્રકારની ઉમદા કામગીરીનું આયોજન કરવામાં આવે છે, જેથી સામાજિક દાયિત્વ નિભાવી શકાય.
